Folk Tale

દોડવીર કાચબો

ATU275A
LanguageGujarati

એક કાચબો શાંતિથી ધીમે ધીમે ચાલતો જતો હતો. ત્યાં સસલાનું એક ટોળું તેની પાસેથી નાચતું કુદતું નીકળ્યું. તેમાંથી એક સસલાએ પાછા વળી કાચબાની મશ્કરી કરતાં કહ્યું, ‘કાચબાભાઈ તમે કેવા ઠચૂક ઠચૂક ચાલો છો. અમને પણ તમારા જેવી ચાલ શીખવોને!’

કાચબાએ અગાઉ ઘણાં સસલાં જોયા હતા. એને ખબર હતી કે સસલાં કોઈ કામ ચીવટથી કરી શકતા નથી. તેઓ બેદરકાર ને ઉંઘણશી હોય છે. આથી તેણે વટથી કહ્યું, ‘સસલાભાઈ! મારી ચાલ ભલે ઠચૂક હોય તો પણ તમારા જેવા દોડવીરને પણ દોડવાની હરીફાઈમાં હરાવી શકું તેવો છું સમજ્યા!’

આ બંનેની વાત ત્યાં ઊભેલા એક શિયાળે સાંભળી. તેણે સસલાને પાનો ચડાવતાં કહ્યું, ‘અરે સસલાભાઈ! આ કાચબાએ તમારા જેવા દોડવીરને પડકાર ફેંક્યો છે છતાં તમે ચૂપ કેમ છો?’

સસલાએ કાચબાને કહ્યું, ‘ચાલો આપણે બન્ને શરત લગાવીએ. દોડવાની હરીફાઈમાં કોણ જીતે છે?’

કાચબો તરત બોલ્યો, ‘ચાલો અત્યારે જ કરીએ ફેંસલો. હું તમારી સાથે હરીફાઈમાં દોડવા તૈયાર છું!’

બીજાં બધાં સસલાંઓ દોડ હરીફાઈ જોવા ભેગાં થઈ ગયાં. સસલાએ ઊંચા થઈ દૂર દૂર રહેલો એક ખડક બતાવી કહ્યું, ‘કાચબાભાઈ સામે દેખાતા ખડક પાસે પહેલું પહોંચે તે જીત્યું ગણાશે.’

કાચબાએ કહ્યું, ‘એ બરાબર છે.’ કાચબો અને સસલો દોડવા માટે ઊભા રહી ગયા.

શિયાળે ઝંડો ફરકાવી દોડ હરીફાઈ શરૂ કરાવી. કાચબો માંડ્યો ઠચૂક ઠચૂક ચાલવા. સસલો માંડ્યો ઝડપથી દોડવા. થોડી વારમાં જ સસલો તો ઘણે દૂર પહોંચી ગયો. સસલાને થયું, ‘કાચબાને આટલે સુધી પહોંચતાં ઘણી વાર થશે તેથી લાવ જરા આરામ કરી લઉં.'

સસલો ઝાડ નીચે બેઠો. ઠંડો પવન વાતો હતો. ત્યાં તેને ઊંઘ આવી ગઈ.

થોડી વારે સસલો ઊંઘમાંથી જાગ્યો. જુએ છે તો પેલા દૂરના ખડક પાસે કાચબો જઈને ઊભો હતો. સસલો શરમાઈ ગયો. તેણે કાચબા પાસે જઈ પોતાની હાર કબૂલી લીધી.

કાચબાએ કહ્યું, 'સસલાભાઈ જુઓ મેં ઠચૂક ઠચૂક ચાલીને ભલે શરત જીતી લીધી પણ તમે જો ચીવટ રાખી હોત અને કામના વખતે ઊંઘવાનું ટાળ્યુ હોત તો તમે જીતી ગયા હોત. હું કંઈ તમારા જેટલી ઝડપે થોડો દોડી શકવાનો હતો. આ તો તમારી બેદરકારીએ મને જિતાડ્યો છે!'

શિયાળ કહે, ‘ઉતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર એ વાત સાચી છે.’


Text view