Text view

કાગડો અને શિયાળ

Titleકાગડો અને શિયાળ
Language codeguj

એક કાગડો હતો. બપોરના સમયે તે ભૂખ્યો થયો. ખોરાક શોધવા તે આમતેમ ઊડાઊડ કરતો હતો. એટલામાં તેનું ધ્યાન ઘેટાં બકરાં ચરાવતા એક ભરવાડ તરફ ગયું. ભરવાડ એક ઝાડ નીચે પોતાનું ભાથુ છોડી રોંઢો કરવા બેઠો હતો. કાગડો તેની પાસે જઈ કા કા કરવા લાગ્યો. ભરવાડને તેની દયા આવી અને રોટલાનો ટુકડો તેની તરફ ફેંકયો.

કાગડાએ રાજી થતા તે ઝડપી લીધો. દૂર દૂર જઈ એક ઝાડની ઊંચી ડાળે બેઠો ને રોટલો ખાવાની તૈયારી કરવા લાગ્યો.

એક લુચ્ચા શિયાળે કાગડાના મોંમાં રોટલો જોયો. તે ઝાડ નીચે દોડી આવ્યું. શિયાળે કાગડાને કહ્યું, કાગડાભાઈ જરા સમજો તો ખરા. આ વેળા ગાવાની છે ખાવાની નહિ. વળી તમારો અવાજ પણ બહુ મધુરો છે!

કાગડો તો લુચ્ચા શિયાળની વાત સાંભળી ફુલાઈ ગયો. શિયાળે કાગડાને વધુ ફુલાવતાં કહ્યું, આજે મને તમારું મધુર ગાન સાંભળવાનું ખૂબ મન થયું છે. મારી ઈચ્છા તમે પૂરી કરો તેવી મારી વિનંતી છે!

કાગડો પોતાનાં વખાણ સાંભળી વધુ ફુલાયો. તેણે ગાવા માટે મોં ખોલ્યું કે તરત જ મોં માંથી રોટલાનો ટુકડો નીચે પડી ગયો.

શિયાળ તો તૈયાર જ બેઠું હતું. તેણે રોટલાનો ટુકડાને નીચે પડતાં પહેલાં જ મોંમાં ઝીલી લીધો. રોટલો મોજથી ચાવતાં ચાવતાં ભાગી ગયું. કાગડાભાઈનું મધુર ગાન સાંભળવા એ કંઈ ઊભું રહ્યું નહિ. કા કા કરતા કાગડાને પોતે છેતરાયો છે એવું મોડે મોડે ભાન થયું. પણ પાછળથી પસ્તાવાનો શો અર્થ ? મોઢામાં આવેલો રોટલો તો ચાલ્યો ગયો!


Download XMLDownload textStory